Friday, August 19, 2011

લોકાયુકતની નિમણૂંકમાં વિલંબના મુદે સરકારનો જવાબ માગતી હાઇકોર્ટ

GujaratSamachar 19/08/2011

ગુજરાતમાં લોકાયુકતની નિમણૂક મામલે પીઆઇએલ

અમદાવાદ,ગુરૃવાર
ગુજરાત રાજયમાં લોકાયુકતની નિમણૂંક કરાવવા આખરે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ કરાઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીની ખંડપીઠે રાજય સરકાર અને રાજયના મુખ્ય સચિવ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે. વધુમાં, હાઇકોર્ટે રાજય સરકારને એ બાબત સ્પષ્ટ કરવા કહી છે કે, અત્યારે લોકાયુકતની નિમણૂંકનો મામલો કયા તબક્કે છે અને અત્યાર સુધી લોકાયુકતની નિમણૂંક શા માટે થઇ શકી નથી? સરકારને આ બાબતે ખુલાસા સાથેનો જવાબ રજૂ કરવા નિર્દેશ કરી ખંડપીઠે કેસની વધુ સુનાવણી તા.૨૯મી ઓગસ્ટના રોજ મુકરર કરી હતી.
સાડા સાત વર્ષ કરતાં પણ વધુ સમય વીતી જવાં છતાં સરકાર દ્વારા લોકાયુકતની નિમણૂંક કરાતી નથી
સ્વ. આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાના પિતા ભીખાભાઇ કલ્યાણજીભાઇ જેઠવા દ્વારા કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, ગુજરાત લોકાયુકત એકટ-૧૯૮૬ની કલમ-૩ હેઠળ લોકાયુકતની નિમણૂંક કરવી અનિવાર્ય હોવાછતાં ગુજરાત સરકાર દ્વારા એક યા બીજા પ્રકારે લોકાયુકતની નિમણૂંક કરવામાં આવતી નથી. રાજય સરકારના ઉદાસીન વલણના કારણે છેલ્લા સાડા સાત વર્ષોથી આટલી મહત્વની જગ્યા ખાલી પડી રહી છે તેમછતાં સરકાર હજુ સુધી આ મામલે તાત્કાલિક કોઇ નિર્ણય કરતી નથી.
ગત વર્ષે સ્વ. આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાએ લોકાયુકતની નિમણૂંકના મામલે એપ્રિલ-૨૦૧૦માં હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેની સુનાવણીમાં ખુદ રાજયના એડીશનલ એડવોકેટ જનરલ તરફથી અદાલત સમક્ષ એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે, લોકાયુકતની નિમણૂંક અંગે સલાહમસલતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. કેબીનેટ દ્વારા લોકાયુકતના મામલે નિર્ણય લેવાઇ ગયો છે અને તે રાજયપાલની મંજૂરી અર્થે મોકલી અપાયો છે. આમ, લોકાયુકતની નિમણૂંકના પગલાં ઓલરેડી લેવાઇ ગયા છે, જે પાઇપલાઇનમાં છે. સરકારની આ બાંહેધરી ધ્યાનમાં લઇ તત્કાલીન જસ્ટિસ ભગવતીપ્રસાદ અને જસ્ટિસ જે.સી.ઉપાધ્યાયની ખંડપીઠે રિટ અરજીનો નિકાલ કર્યો હતો.
પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે, રાજય સરકારે હાઇકોર્ટ સમક્ષ આપેલી આ બાંહેધરીને સવા વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમછતાં, હજુ સુધી લોકાયુકતની નિમણૂંક કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. રાજયપાલ સમક્ષ પણ આ સમગ્ર મામલો છેલ્લા ઘણા લાંબા સમયથી પડતર પડી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઇ જ નક્કર પરિણામ આવ્યું નથી, જેથી અરજદારને આ રિટ અરજી કરવાની ફરજ પડી છે. લોકાયુકત કાયદાની જોગવાઇ હેઠળ રાજયના મુખ્યમંત્રીથી માંડી સરકારના પ્રધાનો, આઇએએસ-આઇપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જાહેરસેવકો વિરુદ્ધ લોકાયુકત સમક્ષ નાગરિકો સીધી ફરિયાદ દાખલ કરી શકે છે અને તેમાં જાતે તપાસ કરવા લોકાયુકતને સત્તા બક્ષાયેલી છ પરંતુ ગુજરાતમા તા.૨૪-૧૧-૨૦૦૩થી લોકાયુકતની નિમણૂંક સરકાર દ્વારા થતી નહી હોવાના કારણ નાગરિકો ફરિયાદ દાખલ કરી શકતા નથી અને ન્યાયથી વંચિત રહી રહ્યા છે.
લોકાયુકતની નિમણૂંકના અભાવે ગુજરાત રાજયમાં સરકાર, તેમના પ્રધાનો અને જાહેરસેવકો વિરુદ્ધની ફરિયાદો પડતર પડી રહી છે. પ્રજાની ફરિયાદોમાં કોઇ કાર્યવાહી ના થઇ શકે તેવા બદઇરાદાથી જાણીબુઝીને જ સરકાર ભ્રષ્ટાચાર, સગાવાદ અને ગેરરીતિઓને છાવરી રહી છે. હાઇકોર્ટે આ તમામ બાબતોની ગંભીર નોંધ લઇ નાગરિકોના અને ન્યાયના હિતમાં હાઇકોર્ટે રાજય સરકારને તાત્કાલિક ધોરણે લોકાયુકતની નિમણૂંક કરવા માટે આદેશ જારી કરવા જોઇએ એ મતલબની દાદ અરજદારપક્ષ દ્વારા રિટ અરજીમાં માંગવામાં આવી હતી.

No comments:

Post a Comment