Sandesh gujarati news paper 01/03/2011
અમદાવાદ, તા.૨૮ અમિત જેઠવા હત્યા કેસની તપાસમાં રાજ્ય સરકાર ઈરાદાપૂર્વક દીનુ બોઘાની તપાસ નથી કરતી તેવી ફરિયાદ સાથે આ આખી તપાસ સીબીઆઈને સોંપવા જે પિટિશન થઈ તેમાં આજે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ અંગે સઘળી માહિતી સોગંદનામા પર રજૂ કરવા મૌખિક સૂચના આપી હતી. આ પિટિશન પર થયેલી સુનાવણી દરમિયાન અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ક્રાઈમ બ્રાન્ચે જે ચાર્જશીટ સુપરત કર્યું છે તેમાં અમિત જેઠવાની હત્યાના આરોપી શિવા સોલંકીને દર્શાવ્યો છે. જે જૂનાગઢના સાંસદ અને સત્તાધારી પક્ષના અગ્રણી નેતા દીનુ બોઘા સોલંકીનો ભત્રીજો છે. વળી, જ્યારે ભીખુભાઈએ મૂળ પિટિશન કરી હતી ત્યારે જ એવી આશંકા વ્યક્ત કરી હતી કે, રાજ્યની એકપણ તપાસ સંસ્થા દીનુ બોઘાની તપાસ નહીં કરે. બીજી તરફ, અમિત જેઠવાના તમામ પરિવારજનોએ છેલ્લાં ત્રણ વર્ષથી વારંવાર ફરિયાદો કરી હતી કે દીનુ બોઘા તરફથી તેમને ધમકીઓ મળે છે. અમિત જેઠવાની હત્યા થઈ તેના બે વર્ષ પૂર્વે તેના પર હુમલો પણ કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ સંજોગોમાં આ નેતાની પૂર્ણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન જ્યારે ક્રાઈમ બ્રાન્ચે હત્યાના મુખ્ય આરોપી તરીકે શિવા સોલંકી સામે ચાર્જશીટ કરી છે તે પણ સૂચવે છે કે, શિવા સોલંકીના જ ભત્રીજા સુધી તપાસ કરીને આ તપાસ પાછી વળી ગઈ હતી. પરિણામે, ભીખુભાઈએ તેમની પિટિશનમાં વ્યક્ત કરેલી શંકા સાચી પુરવાર થઈ હોવાનો આજે દાવો કરવામાં આવ્યો હતો. જેના આધારે જસ્ટિસ એ.એલ. દવે અને જસ્ટિસ આર.એમ. છાયાની ખંડપીઠે રાજ્ય સરકારને એવી પૃચ્છા કરી હતી કે, શું ક્રાઈમ બ્રાન્ચ દીનુ બોઘા સોલંકી સામે કોઈ તપાસ કરી છે ખરી,અને જો કરી હોય તો તે ક્યાં સુધીની છે અને ન કરી હોય તો કેમ નથી કરી તે વિષે સંપૂર્ણ માહિતી એક સોગંદનામા સ્વરૂપે કોર્ટમાં સુપરત કરવાની મૌખિક સૂચના આપી હતી. |